ગાંધીજીનું સમુદ્રી વર્તુળ

પ્રોફેસર  દિલીપ સિમ્યન

(ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાનના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે).

અનુવાદક: દીપક ધોળકિયા

*******

લેખકનો પરિચયઃ શ્રમિક સંબંધી બાબતોના  ઇતિહાસકાર, દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના  સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ અનશન કર્યું અને પગાર અપાવ્યો પણ તે પછી ગુંડા તત્ત્વોએ એમના પર જીવલેણ હુમલો કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં નક્સલવાદી આંદોલનના રંગે રંગાયા પણ  ૧૯૭૧માં બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો વિરુદ્ધ પણ એમના નેતાઓએ મૌન ધારણ કરી લીધું તેના વિરોધમાં એમણે નક્સલ આંદોલનને તિલાંજલિ આપી અને સ્વતંત્ર રસ્તો લીધો અને નક્સલ હિંસા, બાંગ્લાદેશની હિંસા, દુનિયામાં ઠેરઠેર ચાલતા સંઘર્ષો વિશે ચિંતન કરતાં ગાંધી સુધી પહોંચ્યા અને એના થઈને રહ્યા.   હવે તેઓ અશોકા યુનિવર્સિટીમાં  વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અધ્યાપન કાર્ય કરે છે અને એમણે લંડન ઉપરાંત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં  અને ગુજરાતમાં સૂરત યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે  સેવાઓ આપી છે.દિલીપ સિમ્યન એમના બ્લૉગ After the Truth-Shower પર  વિવિધ વિષયો પર લેખો પ્રકાશિત કરે છે.

૦૦૦

ગાંધીજીનું સમુદ્રી વર્તુળ

 “પોતાના પ્રદેશની વિશિષ્ટતાનો આગ્રહ આપણા જીવનમાં એક અભિશાપ છે. આપણે ઇચ્છીએ કે આપણો પ્રદેશ ભારતની સરહદો સુધીવિસ્તરે અને આખરે આ પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરે. અને જો આમ નહીં થાય, તો તે નાશ પામશે.” – મહાત્મા ગાંધી, સપ્ટેમ્બર ૧૯૪૭.

“સત્ય ક્યારેય મરતું નથી, પણ તેને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરવામાં આવે છે.” – એક યહૂદી કહેવત.

પ્રસ્તાવના

મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન ઈશ્વર, સત્ય અને અહિંસાને સમર્પિત હતું. તેઓ તેમને અલગ-અલગ ભાગોમાં વિભાજિત નહોતા જોતા, પરંતુ તેમને માનવ જીવનના માળખા તરીકે જોતા. સત્યની શોધ માટે સમર્પિત જીવનને ફક્ત એક દાર્શનિકનું જીવન જ ગણી શકાય. સામાજિક અને રાજકીય સુધારા માટે તેમણે કરેલા પ્રયાસોને તેમના ઊંડા ચિંતનશીલ સ્વભાવથી અલગ કરી ન શકાય. ગાંધીજીએ સામાન્ય લોકોના ગુણોમાંથી શક્તિ મેળવી. તેમણે સામાન્ય લોકો સાથે તેમનાં આદર્શ પ્રતીકો, કથાઓ, તેમના કવિઓની ભાષામાં વાત કરી; અને રાજકીય નેતાઓએ નહીં પણ સામાન્ય લોકોએ તેમને મહાત્મા માન્યા હતા. આ સાથે, માનવીના ગૌરવ પ્રત્યે તેમની ઊંડી સમજ તેમને સ્થિતપ્રજ્ઞ બનાવતી હતી, તે તેમના આત્માના ધૈર્યનો આધાર હતો.

ગાંધીજી એક જ્ઞાની વ્યક્તિ હતા. આ લેખમાં હું તેમની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરીશ. મારો આ પ્રયાસ મોટા ભાગે બીજાઓની વિદ્વતા પર આધારિત છે, પરંતુ તેમાં ભૂલો હોય તો તે ફક્ત મારી જ છે.

ગાંધીજીમાં અન્યાય અને સામાજિક દુષણો સામે લડવાનો ખૂબ જ જુસ્સો હતો. તેમણે એ પણ જોયું કે દરેક વ્યક્તિના અંતરાત્મામાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ચાલે છે, જે દેશો અને સમુદાયો વચ્ચેના સંઘર્ષથી અલગ છે. આપણો વર્તમાન યુગ ‘રાજકીય દ્વેષના બૌદ્ધિક સંવર્ધનનો યુગ’ છે, પરંતુ ગાંધી આ પ્રકારના ‘બૌદ્ધિક સંવર્ધન’ના સંપૂર્ણપણે વિરોધી હતા. રાજકારણની વ્યાખ્યા ‘મિત્ર-શત્રુ સંબંધ’ તરીકે થતી હોય તો ગાંધીજીએ તેની વ્યાખ્યા મિત્રતા અને સંવાદ પર આધારિત સંબંધ તરીકે  આપી. રાજકારણની વ્યાખ્યા છેતરપિંડી તરીકે કરવામાં આવે, તો ગાંધીજીએ જીવનના અન્ય ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ સત્યના આચરણ પર ઓછો ભાર નહોતો મૂક્યો. મૅકિયાવેલી, હૉબ્સ, ફ્રેન્ચ જેકોબિનિઝમ, કાર્લ શ્મિટ અને લેનિન સહિત પશ્ચિમી રાજકીય વિચારકોની સમગ્ર પરંપરા માને છે કે રાજ્યતંત્ર મૂળભૂત રીતે હિંસા પર આધારિત છે; પરંતુ ગાંધીજી માનતા હતા કે આવા વિચારો અને આવાં રાજ્યો આખરે નાશ પામશે.

ગાંધીજીના વિચારોમાં નૈતિકતા, ધર્મશાસ્ત્ર અને રાજકારણનાં તત્ત્વો મિશ્રિત હતાં. તેઓ જીવનને આત્માના ભૌતિક દેશનિકાલ તરીકે જોતા નહોતા; તેના બદલે, તેમણે તેને લોકોની સેવા કરવાની તક તરીકે જોયું. તેમના વિશે એવું કહી શકાય કે તેમને ઇતિહાસના દુર્ભાગ્યનો સામનો કરવો પડેલા લોકોમાં તેમનો આત્મા મળ્યો.  એટલે જ, ૧૯૧૭ માં એમણે ઘણા પ્રયત્નો પછી ચંપારણની પહેલી વાર મુલાકાત લીધી અને નિર્દોષ ખેડૂતોએ એમનું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું.  તે વિશે એ કહી શક્યા:  “એમાં કોઈ અતિશયોક્તિ નથી પણ સત્ય છે કે ખેડૂતો સાથેની તે મુલાકાતમાં હું  “ઈશ્વર, અહિંસા અને સત્યને રૂબરૂ” મળ્યો: (‘સત્યના પ્રયોગો’, ​​ભાગ ૫, પ્રકરણ ૧૪ માંથી).

અહીં ચાર બાબતોની મારે વાત કરવી છે: સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમાજમાં વસાહતવાદ વિરોધી વ્યૂહરચનાની સમસ્યા; ધર્મ કે રાષ્ટ્રની સંકુચિત માનસિકતાથી મુક્ત સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા; બુરાઈની સંદિગ્ધ પ્રકૃતિ અને પરોપકારી ઈશ્વરની વિભાવના સાથે તેની અસંગતતા; અને માણસની પોતાના અંતરાત્મા વિરુદ્ધ જવાની ક્ષમતા.

સારપનું સાર્વભૌમત્વ

સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તામાં સાંપ્રદાયિક સૌહાર્દ માટેના તેમના પ્રખ્યાત ઉપવાસ દરમિયાન ગાંધીજીએ આ અવલોકન કર્યું: “સારપનું પોતાનું અસ્તિત્વ  છે; બુરાઈનું નથી. તે એક પરોપજીવી જેવું છે, જે ફક્ત સારપમાં અને તેની આસપાસ જ ટકી શકે છે. જ્યારે સારપ એને સાથ આપવાનું બંધ કરી દે, ત્યારે તે પોતાની મેળે જ મરી જાય છે.

નૈતિકતાના દર્શનમાં આ એક ગંભીર અવધારણા છે. આપણે આ વાત ‘હિંદ સ્વરાજ’ માં તેમની ટિપ્પણી સાથે જોડી શકીએ છીએ: “પ્રેમની શક્તિ સત્ય અથવા આત્માની શક્તિ જેવી છે.” એવા પુરાવા છે કે તે  ડગલે ને પગલે કામ કરે છે. આ શક્તિ વિના બ્રહ્માંડ પોતે જ અદૃશ્ય થઈ જશે”. તેમને ઇતિહાસ પ્રત્યે બહુ આદર નહોતો કારણ કે ઇતિહાસ ઝઘડા અને વિખવાદની વાર્તા છે; તેના બદલે તેઓ સમયને સાચી મિત્રતાની માન્યતા આપવા માંગતા હતા, જેના વિના સમાજ ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોત.

પ્લેટોના દર્શનમાં, સારપનું સૌથી યોગ્ય પ્રતીક સૂર્ય છે. આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ સૂર્યને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, અને તે આપણને તફાવત પારખવાની શક્તિ પણ આપે છે. સૂર્યપ્રકાશ વિના આપણે વિશ્વની વિવિધતાની કલ્પના પણ કરી શકતા નથી. ચિંતન પહેલાં  સારપની શાંત ઝલક જોવા મળે છે.  બાઇબલના પ્ર્કરણ ‘પ્રસ્તાવના’માં ઈશ્વર જ કહે છે – ‘પ્રકાશ થવા દો!’, અને તે આને શુભ માને છે. અને ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ માટે  એ લાગુ પડે છે. સારનું દર્શન એ ઈશ્વરનું દર્શન છે, અને તે  વિશ્વનું સર્જન કર્યા પછી આવે છે.

તેથી, યહૂદી-ખ્રિસ્તી પરંપરામાં લેખનની પ્રક્રિયામાં સારપ નોંધાયેલી છે; અને એ બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વરની ઇચ્છા સાથે સંબંધિત છે. પ્લેટોનિક પરંપરામાં, બ્રહ્માંડને શાશ્વત અને સારપનું પ્રતીક માનવામાં આવે છે. સારપને સમજવા માટે જોવા અને સાંભળવાની ક્ષમતા પૂરતી છે.

ગાંધીજીની સ્વયંસ્ફુરિત સારપ પ્રત્યેની આંતરદૃષ્ટિ એ જ દૃઢતા સાથે વ્યક્ત થાય છે જે દૃઢતા સાથે તેઓ બુરાઈને એક પરોપજીવી તરીકે વર્ણવે છે જે સારપનો ખોરાક લઈને જીવે છે. મને ખબર નથી કે તેમની આવી શ્રદ્ધા કેવી રીતે બંધાઈ? પરંતુ બીજા લોકોના પણ આવા જ વિચારો હતા. પયગંબરી પરંપરામાં પણ, બુરાઈને એક વંચિતતા, સારપનો અભાવ અથવા ખોટ તરીકે જોવામાં આવે છે, એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે નહીં. ૧૯૬૩માં હાન્ના આરેન્તે પણ આવી જ ટિપ્પણી કરી હતી: “બુરાઈમાં ઉંડાણ નથી હોતું; એ તો ફક્ત  અતિશય પ્રમાણમાં હોય છે.. ફક્ત સારપમાં જ ઊંડાણ હોય છે, પરંતુ માનવીય બુરાઈ “સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે છે કારણ કે તે સપાટી પર ફૂગની જેમ ફેલાય છે” (ધ યહૂદી રાઇટિંગ્સ, 471). પરંતુ એ સાચું છે કે શરૂઆતની અબ્રાહમિક પરંપરામાં કેટલાક ખ્રિસ્તી સમુદાયો માનતા હતા કે બુરાઈનો પોતાનો સ્વાયત્ત દરજ્જો છે, અને તે ઈશ્વર સાથે કાયમી સંઘર્ષની સ્થિતિમાં છે.

શું સારા અને ખરાબ વિશેના આ વિરોધી વિચારો વચ્ચે કોઈ અવરોધ હોવો જોઈએ? ના, કારણ કે પયગંબરી પરંપરાઓ પણ કહે છે કે આ દુનિયા સારી છે. બધી આધ્યાત્મિક પરંપરાઓ, ધાર્મિક હોય કે ન હોય, પ્રકાશનો આદર કરે છે: જેમણે સારપના પ્રકાશની ઝલક જોઈ હોય તે પયગંબર. વધુમાં, સદીઓથી ઘમંડ, જુલમ અને સત્તાની ઇચ્છાને બુરાઈના મૂળ તરીકે જોવામાં આવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું આંધળું પાલન કરવાની માંગ હોય છે. આમ, ૧૯૩૬ માં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું: “કોઈ પણ દૈવી પ્રેરણા સ્વીકારવા માટે હું મારા અંતરાત્માનો ત્યાગ કરી શકતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘શબ્દો મારી નાખે છે, ભાવનાઓ જીવન આપે છે’. પણ મને ખોટી રીતે ના સમજો. હું શ્રદ્ધામાં પણ માનું છું, એવી બાબતોમાં જેમાં તર્ક માટે કોઈ સ્થાન નથી, જેમ કે ઈશ્વરના અસ્તિત્વમાં.” (મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો {CWMG} ભાગ 64, પાનું 71)

‘આત્મા જીવન આપે છે’, આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે, કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે. બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે; તેથી, આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે. ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો. એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું.

અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી, નૈતિક પતનનો ભય રહે છે. જ્યારે ‘રાષ્ટ્ર’ ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે  ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે, ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે. ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ  જાય, ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે; પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ. તમે પૂછશો  કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે? ત્રણ બાબતો છે:

એક: શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે?

બે: શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે? કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે?

ત્રણ: શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે?

નાગરિક ધર્મ અને ધાર્મિક-રાજકીય સમસ્યા

ધાર્મિક/રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે?  આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે: આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર  સીધુ માર્ગદર્શન નથી આપતો>. ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે; પહેલી ગળણી એક પયગંબર છે, અને બીજી ગળણી તેના શિષ્ય છે. તેથી, દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે…. आगे पढ़े

https://webgurjari.com/2025/01/30/gandhijis-oceanic-circle-dilip-simeon/

+++++++++++++++++++++++++++++++++++++++++++++

गांधी का समुद्री वर्तुल

The Oceanic Circle: Talk on the occasion of Mahatma Gandhi’s 155th birthday

विचारधारा का संकट

Stand Up, Say No

Khuda Hafiz

The Crisis of Ideology

The Lady Vanishes

खुदा हाफ़िज़